વર્ષ ૨૦૨૦-૨૦૨૫ ના પાંચ વર્ષ માટે સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ પદે વરાયેલા શ્રી સતીષભાઈ વિઠલાણી દ્વારા તેમના પ્રમુખ પદ હેઠળ પ્રથમ કારોબારી સમિતિની સૌપ્રથમ બેઠક ઝૂમ એપ પર તા. ૧૩ જૂન, ૨૦૨૧ ના દિવસે મળી હતી. જેમાં ભારતભરના વિસ્તારો ઉપરાંત વિદેશમાં વસતા અમેરીકા, કેનેડા, યુ. કે., આફ્રિકા અને ગલ્ફ વિસ્તારમાં વસતા લોહાણા સમાજના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
આમ, ઇતિહાસમાં સૌપ્રથમ વખત આ મિટિંગમાં અનેક દેશોના શ્રેષ્ઠીઓએ ભાગ લીધો હતો.
લગભગ ચાર કલાક સુધી ચાલેલી આ બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૦/૨૦૨૧ ના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને તે મંજૂર કરવામાં આવ્યા હતા. શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા અપાતી શિક્ષણ સહાય અને મેડીકલ સહાયની વિગતોથી સભ્યોને વાકેફ કરવામાં આવ્યા હતા.
શ્રી સતીષભાઈ વિઠલાણીએ પ્રમુખ પદ સંભાળ્યું ત્યાર પછી અત્યાર સુધી શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા અન્ય સહયોગી દાતાઓની મદદ સાથે પાંચ મહિનામાં લગભગ રૂ ૬૫ લાખ જેટલી રકમ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે આપવામા આવી હતી, તેની વિગતવાર માહિતી સભ્યોને આપવામાં આવી હતી. સમાજ માટે થઇ રહેલી આ ઉત્તમ સેવાને સભ્યોએ વધાવી લીધી હતી.
લોહાણા સમાજના યુવાનો જેઓ UPSC જેવી ઉચ્ચ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા હશે તેમને માતૃસંસ્થા દ્વારા યોગ્ય માર્ગદર્શન અને સહાય આપવામા આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, આવી પરીક્ષાઓમાં માર્ગદર્શન આપવા માટે રઘુવંશી સમાજના I A S અધિકારીઓ તથા આ બાબતોના જાણકાર અન્ય રઘુવંશી અધિકારીઓએ પોતાની વ્યક્તિગત માનદ સેવા આપવાની ભાવના બતાવી હતી જે બાબતે સૌને વિગતવાર માહિતી અપાઈ હતી.
કોવિડની મહામારીમાં દેશના હરેક રાજ્યોમાં લોહાણા મહાજન તથા અન્ય રઘુવંશી સંસ્થા ઓ દ્વારા અપાયેલી સેવા ની નોંધ લેવાઈ હતી. આ ઉપરાંત મહાપરિષદ ની IT team દ્વારા ભારત ભરમાં વસતા રઘુવંશી ડોકટરો તથા સમાજ સેવકોનું ગ્રુપ બનાવીને કોવિડની મહામારીમાં જે સેવા આપવામાં આવી હતી તેની નોંધ લેવાઈ હતી.
શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા કોવિદના રોગની વ્યવસ્થીત સાયન્ટિફિક જાણકારી માટે ડો. અગમ વોરા સાથે ઓનલાઇન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને કોવિડ બાદ વિફરેલી બ્લેક ફંગસની મહામારીની વ્યવસ્થીત જાણકારી પ્રાપ્ત કરવા માટે રાજકોટ ના ડો. હિમાંશુભાઈ ઠક્કર દ્વારા ઓનલાઇન માર્ગદર્શન અપાયું હતું અને આ બધી વિગતો યુ ટ્યુબ, ફેસબુક અને અન્ય સોશ્યલ મીડિયાના માધ્યમથી દેશ વિદેશના સર્વ રઘુવંશી સમાજને પહોચાડવામાં આવી હતી તેની વિગતવાર માહિતી સભ્યોને આપવામાં આવી હતી.
કોવિડની આ મહામારી દરમ્યાન આપણા કેટલાય પરીવારજનો એ ચિર વિદાય લીધી અને કેટલાય લોકો માનસિક તાણ અનુભવતા હતા. ચિરવિદાય લીધેલા સર્વ પરિવાર જનો ની સદગતિ થાય અને માનસિક તાણ અનુભવતા લોકોને શાંતિ પ્રાપ્ત થાય તે માટે શ્રી લોહાણા મહાપરિષદના ઝોન 11 ના પદાધિકારીઓ દ્વારા સાત દિવસ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન ઓનલાઇન કરવામા આવ્યું હતું. અને યુ ટ્યુબ,, ફેસબુક જેવા સોશ્યલ મીડિયા ના માધ્યમથી વિશ્વ ભરમાં વસતા રઘુવંશી સમાજના લોકો એ તેનો લાભ લીધો હતો તેની માહિતી સભ્યોને વિગતવાર અપાઇ હતી..
શ્રી લોહાણા મહા પરિષદ ની Mulund તથા નાલાસોપારા ની મિલકતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
વિવિધ સમિતિઓના અધ્યક્ષો એ પોતપોતાની કામગીરી અંગે સભ્યોને માહિતગાર કર્યા હતા.
મહિલા વિભાગના અધ્યક્ષ શ્રીમતી રશ્મીબેને મહિલા વિભાગની કામગીરી અને વિવિધ જિલ્લાઓ તથા રાજ્યોમાં બહેનો દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતી આપી હતી. કેનેડાથી ડો. વિપીનભાઈ મિથીયા અને આફ્રિકાથી શ્રી નવીનભાઈ કાનાબારે પણ ચર્ચા વિચારણામાં સક્રિય ભાગ લીધો હતો.
છેવાડાના જ્ઞાતિબંધુ સુધી પહોંચી શકાય તે માટે સંસ્થામાં જે વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે તેની સભ્યો દ્વારા મુકત મન એ સરાહના કરવામાં આવી હતી.
પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી દ્વારા હમણાં જ વાવાઝોડામાં અસર પામેલા ઘોઘા વિસ્તારના ભાવનગર, ગારીયાધાર, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, ધારી, અમરેલી વગેરે વિસ્તારોની મુલાકાત લેવાઇ હતી અને ત્યાં ની પરિસ્થિતીનો ચિતાર પ્રમુખ દ્વારા આપવામા આવ્યો હતો. અસરગ્રસ્તો ને યોગ્ય સહાય કરવાનો નિર્ણય લેવાયો હતો.
છેલ્લા છ મહિનામાં ચિર વિદાય લઈ ગયેલા શ્રી નવીનભાઈ રવાણી, શ્રી જયસુખભાઈ પોપટ, શ્રી માધવલાલ પી. અનારકટ, શ્રી અન્તુભાઈ શોઢા, શ્રી યોગેશભાઇ પૂજારા, શ્રી કિશોરભાઈ પૂજારા, શ્રી કુંભનદાસ જસાણી અને અન્ય મહાનુભાવોની સેવાઓને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.