મીની કરછ ગણાતા મુલુંડ ના આંગણે 70 વર્ષ બાદ શ્રી લોહાણા મહાપરિષદ ની ઓફીસ નું આગમન થયું છે. મુંબઇ ખેતવાડી ખાતે આવેલી શ્રી લોહાણા મહાપરિષદ ની રજિસ્ટર્ડ ઓફિસ ખસેડી ને મુલુંડ નેતાજી સુભાષ રોડ ખાતે લોહાણા કન્યાશાળાના પરિસરમાં લાવવામાં આવી. .
બહુ જ સરસ ડેકોરેશન કર્યા બાદ એક સુંદર ઓપ આપી ને તા 19 મી નવેમ્બર 2021 કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીના શુભ દિવસે પરિસરમાં સત્યનારાયણ ભગવાનની મહાપૂજા કરવામાં આવી હતી. પૂજા ના મુખ્ય યજમાન પદે જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી મહેન્દ્રભાઈ ચંદન (ભામાશા) પરિવાર જનો સાથે બિરાજ્યા હતા.
રઘુવંશી સમાજ ના અનેક અગ્રણીઓ ની હાજરીમાં પૂજા સંપન્ન થયા બાદ કાલિદાસ મેરેજ હોલ ખાતે મહાપ્રસાદ સાથે એક સ્નેહ મિલન નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાગવત કથાકાર પૂજ્ય શરદ ભાઈ વ્યાસ, રઘુવંશી સમાજના જાણીતા કીર્તન કાર શ્રી હરીભાઈ પોપટ ના આશીર્વચન પ્રાપ્ત થયા હતા.
શ્રી લોહાણા મહાપરિષદ ના યુવા સમિતિના અધ્યક્ષ શ્રી ચિંતનભાઈ વસાણી, રાષ્ટ્રીય મહિલા અઘ્યક્ષ શ્રીમતી રશ્મીબહેન વિઠલાણી, રાષ્ટ્રીય ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ ઠક્કરે પ્રાસંગીક પ્રવચન કર્યા હતા જેમાં શ્રી લોહાણા મહાપરિષદ યુવાનો માટે, મહિલા સમાજ ની આત્મનિર્ભરતા માટે શું શું કાર્ય કરી રહી છે તેનો વિસ્તૃત ચિતાર આપવામા આવ્યો હતો.
શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી એ પોતાના પ્રવચનમાં પોતાના પાંચ વર્ષ દરમ્યાન સમાજ સેવા ના કાર્યો ની 27 મુદ્દાઓની છણાવટ કરી હતી, સમાજનાં જરૂરિયાત મંદો ને અપાતી શિક્ષણ સહાય અને મેડીકલ સહાય બાબતે સમાજનાં આગેવાનો ને જાણકારી અપાઈ હતી.
આ શુભ પ્રસંગે પોતાના વ્યસ્ત કાર્યો માંથી સમય ફાળવીને સમારંભમાં હાજરી આપવા ઈશાન્ય મુંબઈ ના લાડીલા સાંસદ શ્રી મનોજભાઈ કોટકે શ્રી સતીષભાઈ વિઠલાણી અને તેમની સમસ્ત ટીમને સમાજ સેવાના સુન્દર આયોજન બદલ બિરદાવી હતી. શ્રી લોહાણા મહાપરિષદ નું કાર્યાલય મુલુંડ ખાતે આવ્યું તે બદલ એક મુલુંડ નિવાસી તરીકે તેમણે સમસ્ત મુલુંડ ની જનતા વતી આભાર વ્યક્ત કર્યો હતો.
સેવા ના સર્વ કાર્યો માટે પોતાની વ્યક્તિગત કેપેસિટી માં સર્વ સેવા આપવાની તૈયારી તેમણે બતાવી હતી, શ્રીમતી રશ્મી બહેન ની મહિલા સમાજ ની આત્મનિર્ભરતા ની વાતને તેમણે મુક્ત કંઠે બિરદાવતા 50 થી પણ વધુ વર્ષથી મહિલાઓ ને પગભર કરવા માટે મહેનત કરનારા પદ્મશ્રી જશવંતી બહેનની સેવાઓ ને યાદ કરી હતી. રઘુવંશી સમાજના યુવાનો સમાજસેવાના આ સુન્દર કાર્યમાં જોડાય તે માટે તેમણે શ્રી સતીષભાઈ ને પોતાની કારોબારીમાં 40% થી વઘારે યુવાનો ને સ્થાન આપીને ભવિષ્ય માટે તૈયાર કરવાનું સુચન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી મનોજભાઈ કોટક, શ્રી શરદભાઈ વ્યાસ, શ્રી હરિભાઈ પોપટ, દાતા શ્રી મહેન્દ્રભાઈ ચંદન, અને શ્રી યોગેશભાઇ ઠકકર નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
રઘુવંશી સમાજ ના બધાં મહાજનો ના અગ્રણીઓ, મુંબઇ-મહારાષ્ટ્ર ઝોન ના પદાધિકારીઓ, મહિલા સમાજ ની બહેનો એ મોટી સંખ્યામાં હાજરી આપી ને પ્રસંગની શોભા વધારી હતી.
સમસ્ત કાર્યક્રમ નું સંચાલન મહાપરિષદ ના જોઇન્ટ સેક્રેટરી શ્રી નિખીલભાઇ સુબાએ ખૂબ સરસ રીતે કર્યું હતું. મહાપૂજા તથા સ્નેહ મિલન સમારંભ નું સૌજન્ય જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી મહેન્દ્રભાઈ ચંદન તરફ થી હતું.



































