શ્રી લોહાણા મહાપરિષદ મહિલા વિંગ ના સાઉથ ગુજરાત ઝોન દ્વારા તારીખ ૩ ઓગસ્ટ ૨૦૨૧ મંગળવારે બપોરે ૪ થી ૬ દરમિયાન ઝૂમ એપ પર મહિલા સશક્તિકરણનો એક વેબીનાર યોજાયો હતો જેનું શિર્ષક હતું ‘નારી તું ના હારી’. લોહાણા ની આન-બાન-શાન એવા રઘુવંશી ગીતથી કાર્યક્રમની શરૂઆત થઈ, ત્યારબાદ માત્ર આઠ વર્ષના તનુશ હિરાણીના સુંદર નૃત્ય દ્વારા ગણેશ વંદના કરવામાં આવી.
મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી એ સમગ્ર પરિવાર નું આયોજન કરતી નારી કદી હારી જ ન શકે એવા વિધાન દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાં નારીના યોગદાનની પ્રશંસા કરી આપણા સમાજની બહેનો હજુ પણ વિકાસ સાધે એવો શુભેચ્છા સંદેશ આપ્યો હતો સતિષભાઈ ના કદમ સાથે કદમ મિલાવી ઘર-પરિવાર સાથે આર્થિક ઉપાર્જન સામાજિક સંબંધો અનેક સેવાકીય સંસ્થાઓ ની જવાબદારી સંભાળતા સ્ત્રી સશક્તિકરણના રોલ મોડેલ જેવા મહાપરિષદના મહિલા અધ્યક્ષા રશ્મિબેને પણ બહેનોને બાળપણથી છોકરા છોકરીઓ માં ભેદ ન રાખી તેમને સમાન હકને તક આપી દરેક ક્ષેત્રમાં દીકરીઓને આગળ વધવા હાકલ કરી હતી, વળી બહેનો કોઈપણ પરિસ્થિતિમાં પોતાને તથા પરિવાર ને સંભાળી લેતી હોય છે અને વિવિધ રૂપે સમાજમાં યોગદાન આપતી હોવાની વાત સાથે સૌને ઉત્સાહવર્ધક ઉદબોધન કર્યું હતું. સાઉથ ગુજરાત ઝોન પ્રમુખ શ્રી શૈલેષભાઈ સોનપાલે પણ બહેનોને આત્મનિર્ભર બનવા પર ભાર મૂક્યો હતો જેથી આફતના સમયે પરિવારને મદદરૂપ થઈ શકે. સાઉથ ગુજરાત મહિલા અધ્યક્ષા પ્રજ્ઞાબેન રાજાએ પણ સમગ્ર કાર્યક્રમને શુભેચ્છા આપતો ટેલિફોનિક સંદેશ મોકલ્યો હતો.
આજના વેબીનાર ના મુખ્ય વક્તા શ્રી હિતેશભાઈ માખેચા નો સુપેરે પરિચય સુરત રિજિયન મહિલા અધ્યક્ષ પીનાબેન ઠક્કર આપ્યો હતો. પોતાના વક્તવ્યમાં હિતેશભાઈ માખેચા એ વિવિધ ક્ષેત્રે સફળ નારીઓ ના ઉદાહરણ થી નારી ધારે તે કરી શકે તેમ દર્શાવી બહેનોને પરિવાર સાથે પોતાની જાતને પ્રાથમિકતા આપી પોતાના શોખ કલા આવડતને બહાર લાવી સર્વાંગી વિકાસ સાધવા જણાવ્યું હતું વળી નોકરી જ નહિ અનેક ક્ષેત્રોમાં ઘેર બેઠાં પણ વિકાસની તકો રહેલી છે તેની વિશદ જાણકારી સાથે જાગ્યા ત્યાંથી સવાર ગણી તરત જ આરંભ કરવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે આભારવિધી શ્રીમતી પીનાબેન ઠક્કરે કરી હતી. સમગ્ર વેબિનાર નું સુંદર સફળ સંચાલન પોતાની આગવી શૈલીમાં નવસારી જિલ્લા મહિલા અધ્યક્ષા ઉષાબેન હિરાણીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ સુંદર સફળ અને રસપ્રદ રહ્યો હતો.